કાખઘોડી અને ઘાસ
એક પગ
કોઈ જૂના અકસ્માતે લઈ લીધો.
બીજો પગ
રોજ સવારે
ખેતરે જવાની જીદ કરે છે.
ખભે ઘાસનો ભારો,
બગલમાં લાકડાની કાખઘોડી,
ને આંખમાં
ઘેર રાહ જોતી
ગાયનું ભાંભરવું.
રસ્તે મોટરો નીકળે છે,
હૉર્ન વાગે છે,
કોઈ ઊભું નથી રહેતું.
એ પણ કોઈને
ઊભું રાખતો નથી.
સાંજે ગાય
ઘાસ ખાતાં ખાતાં
એના હાથને ચાટે છે.
ને અમે,
બબ્બે પગવાળા,
હજી પણ
જીવવા માટે
કોઈ ટેકો શોધ્યા કરીએ છીએ.
– પરાગ રતનપરા