← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઇસ્ત્રીવાળો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શેરીના નાકે
લાકડાની લારી પર
કોલસાની ઇસ્ત્રી લઈને
રામજીભાઈ ઊભા રહે છે.

આખી સોસાયટીનાં
ખમીસ, સાડી, પાટલૂન
એમના હાથમાંથી
સીધાંસટ થઈને પાછાં જાય છે.

સાહેબના કોલરની કરચલી,
વહુની સાડીની ગડી,
છોકરાના યુનિફોર્મની
સોમવારની ઉતાવળ —
બધું એ
એક ઘસરકે સરખું કરી દે છે.

સાંજે
એ ઘરે જાય છે
ત્યારે
એમનું પોતાનું પહેરણ
ચોળાયેલું હોય છે,
કપાળ ચોળાયેલું હોય છે,
ને દીકરીના લગ્નની ચિંતા
એટલી ચોળાયેલી હોય છે

કે આખી દુનિયાની ઇસ્ત્રી
ભેગી કરો
તોય
એ સીધી ન થાય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસાંભળોઆગલો લેખ →ફકીરી