હું ક્યાં છું?
પાસપોર્ટમાં
હું એક ફોટો છું,
થોડો ગભરાયેલો.
આધારકાર્ડમાં
બાર આંકડા છું.
બૅંકમાં
એક ખાતું,
જેમાં મહિનાના અંતે
હું લગભગ શૂન્ય હોઉં છું.
ઑફિસમાં
એમ્પ્લોયી કોડ,
સોસાયટીમાં
ફ્લૅટ નંબર,
ને મોબાઇલમાં
એક પાસવર્ડ,
જે હું પોતે જ ભૂલી ગયો છું.
રાતે
બા ફોનમાં પૂછે છે:
‘જમ્યો, બેટા?’
ત્યારે અચાનક
હું
પાછો જડી જાઉં છું —
આખેઆખો,
નામ સાથે.
– પરાગ રતનપરા