કાંટા વીણનારો
મારગમાં કાંટા પડ્યા, ને સૌ ચાલ્યા સંભાળી,
એક જણે નીચે નમીને કાંટા લીધા ભાળી.
કોઈ કહે: ‘મારે શું? હું તો ચાલ્યો મારી વાટ,’
કોઈ કહે: ‘સરકારનું કામ, આપણે શું ઉચાટ?’
એ તો ચૂપચાપ વીણે, ને હાથે પડે ફોલ્લા કાળી…
મારગમાં…
કાલ સવારે છોકરાં જાશે ઉઘાડા પગે નિશાળે,
કોઈ ડોશી લાકડી ટેકે નીકળશે સવાર-સાંજે;
એમના પગ ના છોલાય, એ જ એની દિવાળી…
મારગમાં…
પરાગ કહે: મંદિર ના બાંધ્યું, ના કીધાં કોઈ દાન,
તોય એ કેડી પર ચાલે ત્યાં ઝૂકે છે ભગવાન;
નાનું કામ ને મોટું હૈયું, એ જ સાચી તાળી…
મારગમાં…
– પરાગ રતનપરા