હિસાબ
દૂધવાળાના પૈસા,
શાકનો હિસાબ,
છોકરાંની ફી,
સાસુની દવા,
બાપુજીનાં ચશ્માં,
એમના શર્ટનું ખોવાયેલું બટન —
બધું મને યાદ છે.
ગઈ કાલે
દીકરીએ પૂછ્યું:
‘મમ્મી, તારો ગમતો રંગ કયો?’
હું વિચારમાં પડી ગઈ.
ત્રીસ વર્ષના
આ ઘરના ચોપડામાં
મારું ખાતું
ક્યાંય ખૂલ્યું જ નહોતું.
આજે સવારે
પહેલી વાર
મેં એક નવી ડાયરી ખરીદી,
ને પહેલા પાને લખ્યું:
‘મારું નામ…’
ને ત્યાં જ
હાથ થંભી ગયો.
– પરાગ રતનપરા