← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિનું સુખ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કવિનું સુખ
બહુ નાનું હોય છે.

કોઈ અજાણ્યો માણસ
બસમાં
એની બે લીટી ગણગણે,
ને એને ખબર પણ ન હોય
કે લખનાર
બાજુની સીટ પર બેઠો છે.

કોઈ દીકરી
પોતાના લગ્નના કાર્ડ પર
એની પંક્તિ છપાવે,
ને નીચે નામ લખવાનું
ભૂલી જાય.

કવિને
એ જ ગમે છે.

નામ ભૂલાય,
ને કવિતા યાદ રહે —
એથી મોટું સન્માન
કયા મંચ પર મળે?

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખડૅડીઆગલો લેખ →હિસાબ