← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હજીય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગઈ રાતે
વાવાઝોડું આવ્યું,
છાપરું ઊડી ગયું,
ખેતર ધોવાઈ ગયું,
ને ગામના પાદરનો વડ
મૂળસોતો ઊખડી ગયો.

સવારે
અમે સૌ
કાદવમાં ઊભા રહી
ગણતરી કરતા હતા
કે શું શું ગયું.

ત્યાં
મારી છ વર્ષની દીકરીએ
આંગળી ઊંચી કરી:
‘પપ્પા, જુઓ —
આકાશ તો
હજીય ભૂરું છે!’

અમે સૌએ
એક સાથે ઊંચું જોયું.

ને એ ક્ષણે
અમને સમજાયું
કે ગણતરી
ખોટી દિશામાં ચાલતી હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખબારી હોત તોઆગલો લેખ →સાથે શું જશે?