ગુમ થયેલ છે
ગુમ થયેલ છે:
મારા પપ્પાનું હાસ્ય.
છેલ્લે જોવા મળ્યું હતું —
ગયા ઉનાળે,
નોકરી છૂટી
એના આગલા દિવસે.
ઓળખ:
આંખોના ખૂણે કરચલી પાડતું,
ખભા હલાવતું,
ને ક્યારેક
મને ઊંચકીને ગોળ ગોળ ફેરવતું.
હવે ઘરમાં
પપ્પા છે,
છાપું છે,
નોકરીની જાહેરાતો છે —
જો કોઈને ક્યાંય મળે,
તો મહેરબાની કરીને
પાછું આપી જજો.
ઇનામમાં
મારી આખી પિગી-બૅન્ક.
– પરાગ રતનપરા