ગુજરાતી હોવું એટલે
ગુજરાતી હોવું એટલે —
ન્યૂ જર્સીની ગલીમાં પણ
ખાખરાનો ડબ્બો
ચોરીને ખાતાં પકડાઈ જવું.
ગુજરાતી હોવું એટલે —
શૅરબજારનો ભાવ
ને હનુમાન ચાલીસા
એક જ શ્વાસમાં બોલી જવા.
ગુજરાતી હોવું એટલે —
‘કેમ છો?’ પૂછીને
જવાબની રાહ જોયા વિના
‘સારું, સારું’ કહી દેવું.
ગુજરાતી હોવું એટલે —
નવરાત્રિમાં
લંડનના હૉલમાં
ગરબે ઘૂમતાં ઘૂમતાં
અચાનક
ગામનો ચોક યાદ આવી જવો,
ને પગ
એક ક્ષણ અટકી જવા.
એ અટકેલી ક્ષણ જ
સાચું ગુજરાત છે —
નકશામાં નહીં,
પગની પાનીમાં વસતું.
– પરાગ રતનપરા