કવિતાના દિવસો
પિરામિડની અંધારી કોટડીમાંથી
ચાર હજાર વર્ષ જૂના
ઘઉંના દાણા મળ્યા હતા,
ને કોઈએ એને વાવ્યા
તો ઊગી નીકળ્યા.
મારી કવિતાઓ પણ
આજે કોઈ વાંચતું નથી —
એ કબાટના ખાનામાં
પીળા પડતા કાગળોમાં
ચૂપચાપ સૂતી છે.
પણ મને ભરોસો છે:
કોઈ દિવસ
કોઈ થાકેલી છોકરી
વરસાદી સાંજે
પસ્તીવાળાની લારીમાંથી
આ નોટબુક ઉપાડશે,
એક પાનું ખોલશે,
ને એની આંખમાં
ભીનાશ ઊગી નીકળશે.
કવિતાને ઉતાવળ નથી હોતી.
એ દાણો છે —
ભેજની રાહ જોતો.
– પરાગ રતનપરા