ઘડિયાળ
બધાને રજા હોય છે —
રવિવારે પતિને,
વેકેશનમાં બાળકોને,
તહેવારે કામવાળીને પણ.
એ રવિવારે
વધારે રાંધે છે,
વેકેશનમાં
વધારે દોડે છે,
તહેવારે
સૌથી વહેલી ઊઠે છે.
એક દિવસ
એણે કહ્યું: ‘આજે મને તાવ છે.’
આખું ઘર ચોંકી ગયું —
જાણે દીવાલ પરની ઘડિયાળે કહ્યું હોય:
‘આજે હું નહીં ચાલું.’
સાંજ સુધીમાં
એ ફરી રસોડામાં હતી.
ઘરે રાહતનો શ્વાસ લીધો.
કોઈએ ન પૂછ્યું, તાવ ઊતર્યો કે નહીં —
ઘડિયાળને
કોણ પૂછે છે
કે એને થાક લાગે છે?
– પરાગ રતનપરા