મિઠ્ઠુ
દાદાએ વીસ વરસ પહેલાં
એક પોપટ પાળેલો.
‘રામ રામ’ બોલતાં શીખ્યો,
‘મિઠ્ઠુ, મરચું ખાવું છે?’ પણ.
દાદા ગયા.
એક સવારે પૌત્રીએ
પાંજરાનું બારણું ખોલી નાખ્યું:
‘જા, ઊડી જા!’
પોપટ
બારણા સુધી આવ્યો,
બહાર જોયું —
આખું આકાશ, લીમડો, તડકો —
ને પાછો
સળિયા પર જઈ બેઠો.
‘રામ રામ’ બોલ્યો.
હું ઑફિસ જવા નીકળ્યો.
બારણું ખુલ્લું હતું,
બહાર આખું આકાશ.
મેં ટાઈ સરખી કરી
ને રોજની બસમાં
બારી પાસે જઈ બેઠો.
– પરાગ રતનપરા