ટીમ-બિલ્ડિંગ
કંપનીએ
પાંચ તારાવાળી હોટેલમાં
બે દિવસનો સેમિનાર રાખ્યો —
‘સહકાર કેવી રીતે કરવો?’
પાવરપૉઇન્ટ, ચાર્ટ, તાળીઓ,
લંચમાં બત્રીસ જાતનાં વ્યંજન.
સેમિનાર પૂરો થયો ત્યારે
ટેબલ નીચે પડેલા
ગુલાબજાંબુના એક ટુકડાને
કીડીઓની એક લાંબી હાર
ખેંચી જતી હતી —
ન કોઈ મૅનેજર,
ન કોઈ સ્લાઇડ,
ન કોઈ પ્રમાણપત્ર.
ને અમે સૌ
‘લર્નિંગ સર્ટિફિકેટ’ હાથમાં લઈ
લિફ્ટમાં
એકબીજાને ધક્કા મારતા
નીચે ઊતર્યા.
– પરાગ રતનપરા