ગામની નદી
મારા ગામની નદી
નકશામાં નથી.
ઉનાળે
એ રેતીમાં ક્યાંક ગુમ થઈ જાય,
ને ચોમાસે
આખા ગામને
પોતાના ખોળામાં લઈ લે.
એના કાંઠે
બા કપડાં ધોતી,
ને હું
પથ્થરનાં ઠીકરાં
પાણી પર નચાવતો.
શહેરમાં આવીને
દરિયો જોયો —
વિશાળ, ઘુઘવતો, ભવ્ય.
મેં ખોબો ભર્યો,
હોઠે અડાડ્યો…
ખારો.
ત્યારે બા યાદ આવી.
નાની હોય તોયે
જે મીઠી હોય,
એ જ નદી,
એ જ મા.
– પરાગ રતનપરા