ગામ એટલે
શહેરના ફ્લૅટમાં
મારા દીકરાને નિબંધ લખવો છે —
‘મારું ગામ’.
એ પૂછે છે: ‘પપ્પા, ગામ એટલે શું?’
હું કહેવા જાઉં છું —
પાદરનો વડ, જેની વડવાઈએ અમે ઝૂલતા,
કૂવાની ગરગડી, જે સૌથી પહેલી જાગતી,
ગાયના ગળાની ઘંટડી, ભાંભરતી સાંજ,
ચૂલાનો ધુમાડો, જે આખા ફળિયાને
એક જ ઘર બનાવી દેતો…
દીકરો વચ્ચે જ ટોકે છે:
‘એટલું બધું નહીં, પપ્પા,
બસ સો શબ્દ જોઈએ.’
હું ચૂપ થઈ જાઉં છું.
સો શબ્દમાં ગામ ક્યાંથી સમાય?
અમારા તો એક હોંકારામાં
આખી સીમ સમાઈ જતી.
રાત્રે એ સૂઈ જાય છે,
ને હું એની નોટમાં
છાનોમાનો એક લીટી ઉમેરી દઉં છું —
ગામ એટલે
જ્યાં મા હજી
બસના સમયે ડેલીએ ઊભી રહે છે.
– પરાગ રતનપરા