ફૌજીની મા
મારો દીકરો
સરહદ પર છે.
હું રોજ
સમાચાર જોતી નથી,
હવામાન જોઉં છું —
ત્યાં કેટલી ઠંડી?
બરફ પડે છે?
સરકાર ગણે છે
કેટલી ગોળી છૂટી,
કેટલા ઘુસણખોર મર્યા.
હું ગણું છું
એણે કેટલા દિવસથી
ફોન નથી કર્યો,
ને એણે
ગરમ મોજાં પહેર્યાં હશે કે નહીં.
લોકો કહે છે:
‘તમને ગર્વ થતો હશે.’
હા, થાય છે.
પણ ગર્વ
રાતે ઓઢવાના કામમાં
નથી આવતો.
– પરાગ રતનપરા