ઘણું’તું
જરા જેટલું જે વણાયું, ઘણું’તું,
ઘડી બે ઘડી જે જિવાયું, ઘણું’તું.
ભલે ભૂખ’તી, ઝૂંપડી’તી, છતાં ત્યાં
બધાં સાથ બેસી હસાયું, ઘણું’તું.
પિતા જે કદી ના રડે, તે વિદાયે
છુપીને જરા જે રડાયું, ઘણું’તું.
ભલે રોટલી એક, ને ચાર જણ’તા,
વહેંચી બધાએ ખવાયું, ઘણું’તું.
પરાગે ન માગી કદી કોઈ ગાદી,
ઘડી શાંતિથી જ્યાં સુવાયું, ઘણું’તું.
– પરાગ રતનપરા
#ગઝલ #સંતોષ #સાદગી #કુટુંબ #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Contentment #SimpleLiving #Family #Gratitude #ParagRatanpara