ફળિયું બોલાવે છે
અમેરિકાના
મારા ઘરની પાછળ
લીલું, કાપેલું, ચોરસ
લૉન છે.
એમાં
ઘાસ સિવાય કશું ઊગતું નથી,
ને કોઈ
ઉઘાડા પગે ચાલતું નથી.
રાત્રે ઊંઘમાં
મારું જૂનું ફળિયું આવે છે —
લીંપેલું,
તુલસીવાળું,
જ્યાં ગાય બાંધેલી હોય,
ને ખાટલે
દાદા ખાંસતા હોય.
ફળિયું પૂછે છે:
‘ક્યારે આવીશ?’
હું ઊંઘમાં જ
ઉઘાડા પગે
લૉન પર ચાલવા નીકળું છું.
સવારે
પગ પર
થોડી
ભીની માટી હોય છે.
કોણ જાણે ક્યાંની.
– પરાગ રતનપરા