← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાંક કોનો?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સ્વારથ વધ્યો ને સગપણ ઘટ્યાં, ભાઈ, વાંક કોનો?
ઘર મોટાં ને મન નાનાં, આ ઠાઠ કોનો?

બાપે વાવ્યો આંબો, દીકરે વેચ્યું આખું ખેતર,
ભાઈએ ભાઈ પર કેસ કર્યો, ને વકીલને થયું સો ટચ સોનું તેતર;
કોરટમાં ઊભા બંને ભાઈ, પણ જજ પૂછે: ‘બાપ કોનો?’
સ્વારથ વધ્યો…

દિવાળીએ ‘હેપ્પી દિવાળી’ મેસેજ ફોરવર્ડ થાય,
પડોશી માંદો પડે તો કોઈ ખબર કાઢવા ન જાય;
લાઇક મળે સો સો, પણ ખભો મળે ન કોઈનો…
સ્વારથ વધ્યો…

પરાગ કહે: આ દોષ નથી કોઈ જુગનો, કે કળજુગનો,
આયનો જો તો દેખાશે, આ વાંક છે આપણા સૌનો;
ચાલો, પહેલો ટકોરો મારીએ, દરવાજો ખોલી પાડોશીનો…
સ્વારથ વધ્યો…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખઆંસુઓઆગલો લેખ →ફળિયું બોલાવે છે