← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એકડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પહેલી વાર
દીકરાએ
પાટી પર
એકડો ઘૂંટ્યો.

વાંકો,
થોડો ધ્રૂજતો,
જાણે
કોઈ નાનકડો માણસ
પહેલી વાર
પોતાના પગે ઊભો થયો હોય.

મેં કહ્યું:
‘વાહ!’

એણે
પાટી છાતીએ ચાંપી લીધી,
જાણે
આખી વર્ણમાળા
એના હાથમાં
આવી ગઈ હોય.

મેં
આખી જિંદગી
હજારો શબ્દો લખ્યા,
ગઝલો, ગીતો, ભાષણો.

પણ એ સાંજે સમજાયું —
શબ્દ
અક્ષરોથી નહીં,
આવી
એક ધ્રૂજતી હિંમતથી
શરૂ થાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખશાનથીઆગલો લેખ →શબ્દમાં