ડુંગર
અમારા ગામની પાછળ
એક ડુંગર હતો.
સવારે
સૂરજ
એની પાછળથી
ડોકિયું કરતો,
ચોમાસે
એના ગળામાં
ઝરણાંનો હાર પડતો,
ને શિયાળે
એ ધુમ્મસની શાલ ઓઢીને
ઘરડા દાદા જેવો
બેસી રહેતો.
પછી
ટ્રક આવ્યા.
પછી
ડાયનામાઇટ.
પછી
ખાણ.
હવે
ગામની પાછળ
એક મોટો ખાડો છે.
સૂરજ
હજી ત્યાંથી જ ઊગે છે,
પણ હવે
એ ડોકિયું નથી કરતો —
સીધો
આંખમાં
વાગે છે.
ને મારો દીકરો
ચિત્રમાં ડુંગર દોરે છે
ત્યારે
પૂછે છે:
‘પપ્પા,
ડુંગરનો રંગ
કેવો હોય?’
– પરાગ રતનપરા