ખારવણનું ગીત
દરિયા રે, મારો ખારવો પાછો આલ,
તારે તો લાખ લાખ મોતી, મારે એક જ લાલ!
મધરાતે નાવ લઈને નીકળ્યો, કે’તો ‘પરોઢે આવું’,
ઝાંપે ઊભી હું ય જાગું, ‘હમણાં આવે’ ગાવું;
પરોઢ ગ્યું ને બપોર ગઈ, ગઈ સાંજની લાલ…
દરિયા રે…
કિનારે બેઠાં માછલાં-ટોપલાં, બેઠી ખાલી જાળ,
છોકરાં પૂછે ‘બાપુ ક્યાં?’ હું શું દઉં રે ભાળ?
ભરતી આવે ને ઓટ જાય, તું ન કરે સંભાળ…
દરિયા રે…
પરાગ કહે: આ ખારવણનાં આંસુ ખારાં કેમ?
દરિયો પણ ઈનાં જ આંસુથી ખારો, જાણે પ્રેમ;
તેં લીધો તો હવે ઈને તું સાચવજે, મહાકાલ…
દરિયા રે…
– પરાગ રતનપરા