બાવલો
ગામમાં આવ્યો હતો કાલે જ ખોટો બાવલો,
આજ ટીવી પર ચમકતો એ જ મોટો બાવલો.
કાલ ખાલી હાથ, ઝોળી, ચીપિયો, ને રાખ બસ,
આજ સોનામાં મઢેલો એ જ લોટો, બાવલો!
ભક્ત ઘરમાં ઈશ ખૂણે ને વચાળે આસને,
હાર-દીવા સાથ શોભે આજ ફોટો બાવલો.
‘મોહ છોડો, ત્યાગ કરજો’, મંચ પરથી એ કહે,
ને પછી ગણતો રહે છે રોજ નોટો, બાવલો.
આ પરાગે ગંધ આપી, દામ ના માગ્યો કદી,
એટલે ના થઈ જ પાયો સાવ છોટો બાવલો.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ઢોંગ #અંધશ્રદ્ધા #ધર્મધંધો #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #FakeGodmen #BlindFaith #ReligionBusiness #ParagRatanpara