અનિદ્રા
રાતના બે વાગ્યા છે.
પંખો
ગોળ ગોળ ફરે છે,
વિચારો
એથી વધુ ઝડપે.
કાલની મીટિંગ,
પરમદિવસનો હપ્તો,
દીકરાનું ઍડમિશન,
ને બાની દવા
પૂરી થઈ ગઈ છે —
એ યાદ રાખવાનું.
પડખું ફેરવું છું.
બારીમાંથી
ચોકીદારની સીટી
સંભળાય છે.
એ પણ જાગે છે,
પણ એને
પગાર મળે છે.
મને
શું મળે છે?
સવારે
એલાર્મ વાગશે
ત્યારે
ઊંઘ આવશે —
બરાબર
એ જ ઘડીએ,
જેમ
બધું
મોડું જ આવે છે.
– પરાગ રતનપરા