← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડૂમો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પિતાને મેં
કદી રડતા જોયા નથી.

મા ગઈ ત્યારે પણ
એ ચૂપચાપ
ચિતાનાં લાકડાં ગોઠવતા રહ્યા,
સગાંઓને ચા પિવડાવતા રહ્યા,
રાતે
ઓસરીએ બેસી
આકાશ તાકતા રહ્યા.

તેરમા દિવસે
વરસાદ આવ્યો.
પિતા ઊભા થઈ
આંગણે ગયા,
ને પલળતા રહ્યા —
ખાસ્સી વાર.

અમે બોલાવ્યા:
‘અંદર આવો, તાવ આવશે.’

એ અંદર આવ્યા ત્યારે
ચહેરો ભીનો હતો.
કોણ જાણે
એમાં વરસાદ કેટલો હતો,
ને પિતા કેટલા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆપણે જીતશુંઆગલો લેખ →ચોમાસું થઈશ?