ચોમાસું થઈશ?
કોરી કોરી ક્ષણોને ભીંજાવું છે, સાજન, તું ચોમાસું થઈશ?
મારા સૂકા આંગણિયે આવીને ઝરમર ઝરમર વરસીશ?
ઉનાળાએ ઓરડે ઓરડે તાપ ભર્યો છે ભારે,
આંખોમાં રણ વસી ગયું છે, વાટ જોતી હું દ્વારે;
તું આવે તો તુલસી મ્હોરે, તું વીજ થઈને હસીશ?
કોરી કોરી…
છાપરે ટપ ટપ ટીપાં, ને ચૂલે શેકાય ભૂટ્ટા,
ભીની માટીની સોડમ સાથે મનડાં થઈ જાય છુટ્ટા;
નેવાં નીચે ઊભાં રહીને આપણે બે ય ભીંજાઈશું, કહીશ?
કોરી કોરી…
પરાગ કહે: આ પ્રીત તો છે વાદળ ને ધરતીની વાત,
એક વરસે, બીજી ઝીલે, ને લીલી થાય આખી જાત;
તું વાદળ, હું ધરતી, સાજન, આ વરસે તો વસીશ?
કોરી કોરી…
– પરાગ રતનપરા