← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દૂધનો કટોરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદીમા કહેતાં:
‘મારા જન્મ વખતે
ઘરમાં કોઈએ થાળી નહોતી વગાડી.
દૂધનો એક કટોરો
તૈયાર રખાયો હતો —
પણ મારી માએ
એ કટોરો
ઢોળી નાખ્યો હતો.’

આજે દાદીમા
છેલ્લા શ્વાસ ગણે છે.
દીકરા પરદેશ છે,
વહુઓ ફોન પર છે.

ને દીકરીની દીકરી
ચમચીથી
દાદીમાના હોઠે
દૂધનાં ટીપાં મૂકે છે.

દાદીમા આંખો ખોલે છે,
હસે છે —
જાણે કહેતાં હોય:
‘જોયું?
મારી માએ ઢોળેલો કટોરો
આજે
પાછો ભરાઈને આવ્યો.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવૉશિંગ મશીનનું ગીતઆગલો લેખ →વતન બોલે છે