વૉશિંગ મશીનનું ગીત
ગોળ ગોળ ઘૂમે રે મારું વૉશિંગ મશીન ગોળ,
સાડી, જીન્સ ને ગંજી-મોજાં — સૌનો એક જ ઝોળ!
સાહેબનું શર્ટ ને પટાવાળાનું ગંજી, એક જ ફીણમાં ન્હાય,
અંદર ગયા પછી કોણ મોટું ને કોણ નાનું, ના કળાય;
સાબુએ તો સમાનતાની ખોલી નાખી પોલ…
ગોળ ગોળ ઘૂમે રે…
એક મોજું તો દર વખતે ક્યાંક ખોવાઈ જાય,
બીજું ખાનામાં પડ્યું પડ્યું જોડીનાં ગીત ગાય;
કોઈ કહો, આ મશીનમાં છે કયું અદીઠું હોલ?
ગોળ ગોળ ઘૂમે રે…
ખિસ્સામાં ભૂલ્યો મોબાઈલ, એ ય નાહીને આવ્યો,
વૉટ્સઍપનાં ટોળાંથી છૂટી, જીવને શાંતિ લાવ્યો;
પરાગ કહે: આ જીવન પણ છે ઘૂમતો એક હિંડોળ —
ઘુમાવે, નિચોવે, સૂકવે, ને ઊજળાં કરે ખોળ,
પણ મનના ડાઘ ધૂએ એવો ક્યાં છે સાબુનો ઘોળ?
ગોળ ગોળ ઘૂમે રે…
– પરાગ રતનપરા