ધૂણી
વરસો સુધી
એણે ધૂણી ધખાવી.
ધુમાડો ઊંચે ગયો,
આભમાં ભળ્યો,
પણ કોઈ દેવ નીચે ન ઊતર્યો.
વરસો સુધી
એણે માળા ફેરવી.
મણકા ઘસાયા,
દોરો તૂટ્યો,
પણ મન ન ફર્યું.
એક દિવસ
ધૂણી પાસે
એક ભૂખી કૂતરી
ઠંડીથી ધ્રૂજતી આવી બેઠી.
એણે ધૂણીનો અંગાર
જરા એની તરફ સરકાવ્યો,
ને પોતાના રોટલાનો
અડધો ટુકડો
એની સામે મૂક્યો.
તે રાતે
વરસોમાં પહેલી વાર
એને લાગ્યું —
ધૂણી
સાચે જ સળગી છે.
– પરાગ રતનપરા