ધરતીની કિતાબ
ધરતી
એક જૂની કિતાબ છે.
પહાડો એનાં
જાડાં પૂંઠાં,
નદીઓ
પાને પાને દોરેલી
વાંકીચૂકી લીટીઓ,
ખેતરો
લીલી શાહીમાં લખેલાં
લાંબાં પ્રકરણો.
દરેક ઋતુ
એક નવું પાનું ફેરવે છે.
આપણે
એના વાચક નથી;
આપણે તો
પાને પાને
પેન્સિલથી લખેલી
નાની નોંધ છીએ —
થોડા વરસાદ,
થોડા તડકા,
ને પછી
ભૂંસાઈ જવાની.
– પરાગ રતનપરા