થંભી ગયું
દ્વારથી તું જ્યાં વળી, ત્યાં ચાલવું થંભી ગયું,
હોઠ પરથી ગીત ઊડ્યું, બોલવું થંભી ગયું.
પાંજરું ખુલ્લું હતું ને આભ પણ આખું હતું,
તોય પંખીનું અચાનક ઊડવું થંભી ગયું.
જિંદગીભર જે ગયો ભાગી ઘડીની પાછળે,
એક ધબકારે અટકતાં દોડવું થંભી ગયું.
ઢોલ વાગ્યા ગામમાં, ગરબા ગવાયા રાતભર,
સાસરે ગઈ દીકરી, ત્યાં નાચવું થંભી ગયું.
આ પરાગે ફૂલને છોડ્યું, હવાનો થઈ ગયો,
તોય શું એથી કદી પણ મ્હેકવું થંભી ગયું?
– પરાગ રતનપરા
#ગઝલ #વિરહ #સમય #વિદાય #મ્હેક #પરાગરતનપરા
#GujaratiGhazal #TimeStoodStill #Separation #Farewell #Fragrance #ParagRatanpara