અવગણના
સૂરજ સામે પોયણીએ તો મોઢું ફેરવી લીધું,
ચાંદ વિના પણ જીવતર એણે અંધારે જીવી દીધું.
રોજ સવારે સૂરજ આવે, કિરણોના લઈ હાર,
પોયણી બોલે: ‘મારે તો બસ ચાંદ જ છે આધાર’;
સૂરજ રોયો, ઝાકળ થઈને આંસુ પાંદે દીધું…
સૂરજ સામે…
કોઈ વળી અવગણના કરે, કોઈ વળી આરાધે,
પ્રેમ તણો આ ઉલટો નિયમ, કોણ કહે કે સાધે?
જેને ચાહ્યા, એણે ઠુકરાવ્યા — એ ઝેર સૌએ પીધું…
સૂરજ સામે…
પરાગ કહે: ના ઝૂરવું, સાજન, ના કરવો કોઈ ધોખો,
સૂરજ તો બસ ઊગતો રહે, ને ખીલવે બીજાં લોકો;
કોઈ ન ઝીલે અજવાળું, તોય સૂરજે ઊગવું લીધું…
સૂરજ સામે…
– પરાગ રતનપરા