ધરતીકંપ પછીનું શહેર
છવ્વીસમી જાન્યુઆરીની સવારે
શાળાનાં બાળકો
ધ્વજવંદન માટે
હાથમાં તિરંગો લઈ
કતારમાં ઊભાં હતાં.
પછી ધરતીએ
એક પડખું ફેરવ્યું.
ઘડિયાળો ત્યાં જ અટકી ગઈ —
આઠ ને છેતાલીસ.
આજે એ શહેર
ફરી ઊભું થયું છે:
પહોળા રસ્તા,
નવાં મકાનો,
ચમકતા મૉલ.
પણ જૂની શેરીના ખૂણે
એક ઘરડી સ્ત્રી
રોજ સવારે
કાટમાળમાંથી મળેલું
એક નાનું દફતર લઈને
ઝાંપે ઊભી રહે છે,
જાણે હમણાં જ
રિસેસનો ઘંટ વાગશે.
– પરાગ રતનપરા