દીકરીને નામે
દીકરી,
તારે નામે લખું છું —
ડર વગરની સાંજો,
ખુલ્લા રસ્તા,
ને એવું આકાશ
જેમાં ઊડવા માટે
કોઈની રજા ન લેવી પડે.
તારે નામે લખું છું
થોડી જિદ,
થોડું ‘ના’ કહેવાનું સાહસ,
ને એક ખિસ્સું ભરીને
હાસ્ય.
મારી પાસે
વસિયતમાં લખવા જેવું
ખાસ કશું નથી,
એટલે
આ કવિતા જ
તારે નામે કરું છું.
– પરાગ રતનપરા