દીકરાનાં ચંપલ
શોક મનાવવાનું કામ
દિવસે નથી થતું.
દિવસે તો
ફોન ઉપાડવાના હોય,
સગાંને ચા પાવાની હોય,
વીમાના કાગળ પર સહી કરવાની હોય.
શોક તો
રાતે બે વાગે
બારણા પાસે આવીને બેસે છે,
જ્યાં હજી
એનાં ચંપલ પડ્યાં છે —
ડાબું થોડું આગળ,
જમણું થોડું ત્રાંસું,
જાણે હમણાં જ
ઉતાવળમાં
ઘરમાં પેઠો હોય.
હું રોજ નક્કી કરું છું
કે કાલે
આ ચંપલ ઉપાડી લઈશ.
ને રોજ સવારે
એની મા
એના પર જામેલી ધૂળ
પાલવથી લૂછી નાખે છે.
– પરાગ રતનપરા