← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાન ખરતું હોય એવા કો' બહાને આવજે,
મોત, તું ધીમે પગે મારા મકાને આવજે.

દીકરીના હાથ પીળા થાય ત્યાં લગ થોભજે,
એ પછી શરણાઈના છેલ્લા તરાને આવજે.

મા હજી ઓટે બિચારી રાહ જોતી હોય છે,
એ ઘડી સૂએ, પછી સૂના વિરાને આવજે.

ચોપડાની સૌ ઉધારી ચૂકવી દઈને પછી,
તું જ ખાલી થઈ ગયેલા આ ખજાને આવજે.

આ પરાગે મ્હેક વેરી છે બધી ઉપવન મહીં,
તું પવન થઈ, ફૂલના કો' આશિયાને આવજે.

– પરાગ રતનપરા

#ગઝલ #મૃત્યુ #વિદાય #જીવન #ફરજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Death #Farewell #Life #Duty #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદીકરાનાં ચંપલઆગલો લેખ →મોડી પડી