← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘડી ઘડી ઝાંપે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘડી ઘડી ઝાંપે જાઉં, ને ઘડી ઘડી પાછી વળું,
તારા આવ્યાની એંધાણી, સાયબા, હું ક્યાંથી કળું?

કાગડો બોલ્યો મોભારે, મેં તો આંગણ વાળ્યું,
ગોરમાને દીવો ધર્યો, ને આંસુ પાંપણ ખાળ્યું;
ધૂળ ઊડી જ્યાં કેડે, મેં માન્યું ગાડું તારું વળ્યું.
ઘડી ઘડી ઝાંપે જાઉં…

ચૂલે મૂકેલી ખીચડી દાઝી, દૂધ ઊભરાઈ ગ્યું,
સાસુએ ટોક્યું, નણદીએ હસીને નામ લઈ લીધું;
લાજ કાઢીને ઊભી રહી હું, મનડું તો મેળે ભળ્યું.
ઘડી ઘડી ઝાંપે જાઉં…

સાંજ પડી ને ગાયો આવી, ઘંટડીઓ રણકી,
પરાગ કહે, એ ઘંટડીમાંથી તારી બોલી ટહુકી;
સાયબો આવ્યો, ને ઝાંપે મારું આખું આયખું ઢળ્યું.
ઘડી ઘડી ઝાંપે જાઉં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખશબ્દ પણઆગલો લેખ →દીકરાનાં ચંપલ