ડાઉનલોડ
ન્યૂ જર્સીમાં
બહાર બરફ પડે છે.
વૉટ્સઍપ પર
ગામના ગ્રુપમાં
ભાઈએ વીડિયો મોકલ્યો:
પહેલો વરસાદ,
ઓસરીના નળિયાંમાંથી
દદડતી ધાર,
છાપરે નાચતો મોર,
પાદરે ભીંજાતાં છોકરાં.
મેં ત્રણ વાર જોયો.
ફોન નાકની પાસે લઈ ગયો.
અહીં
બધું ડાઉનલોડ થાય છે —
ફિલ્મો, ગીતો, પુસ્તકો, મા-બાપના ચહેરા પણ.
બસ,
ભીની માટીની સુગંધ
ડાઉનલોડ નથી થતી.
– પરાગ રતનપરા