દીકરી વળાવી
દીકરી વળાવી, મારું આંગણ સૂનું સૂનું થાય,
તુલસીનો ક્યારો પૂછે: ‘પાણી કોણ હવે પાય?’
નાની હતી ત્યારે મારી પીઠે ચડીને ઘોડો ઘોડો રમતી,
ઢીંગલી લઈને ઓસરીએ એ ઘર ઘર કરતી ભમતી;
આજ એ જ ઢીંગલી ખૂણે બેઠી, ચૂપચાપ મૂંઝાય…
દીકરી વળાવી…
ડોલીમાં બેસતાં વળીને એણે જોયું એક વાર,
બાપના ખભાનો ભાર ઊતર્યો, ને હૈયે બેઠો ભાર;
ઢોલ-શરણાઈ વાગે, પણ મારે કાને ડૂસકું સંભળાય…
દીકરી વળાવી…
પરાગ કહે: આ દીકરી તો આભનો એક તારો,
બે ઘરનો એ દીવો, બેઉ ઘરનો એ સહારો;
વળાવી છે પણ વિસરાઈ નથી, શ્વાસે શ્વાસે ગવાય…
દીકરી વળાવી…
– પરાગ રતનપરા