ચોરસ આકાશ
હૉસ્પિટલના ત્રીજા માળે
બાનો પલંગ બારી પાસે છે.
ડૉક્ટર કહે છે:
‘હવે થોડા દિવસ.’
બા બારીમાંથી
ચોરસ આકાશ જુએ છે —
એક ખૂણે કબૂતર,
બીજે ખૂણે વાદળનો ટુકડો,
વચ્ચે સૂરજ ક્યારેક ડોકાય.
બા કહે છે:
‘આખી જિંદગી ગામનું
ગોળ આકાશ જોયું,
ખબર નહોતી
કે આટલુંય પૂરતું છે.’
હું બારીનો પડદો
પૂરો ખોલી નાખું છું.
આકાશ થોડું મોટું થાય છે,
બા થોડી હસે છે.
– પરાગ રતનપરા