દરવાજો ખોલ
દરવાજો ખોલ.
કદાચ બહાર વરસાદ હોય,
કદાચ કોઈ પાડોશીનું બાળક
ભૂલું પડ્યું હોય,
કદાચ કોઈ નહીં હોય —
માત્ર પવન.
પવન પણ અતિથિ છે.
દરવાજો ખોલ.
બંધ ઘરમાં
ઉદાસી પણ
પોતાનો જ પડઘો સાંભળીને
થાકી જાય છે.
ને જો બહાર
કોઈ જ ન હોય,
તો તું જ બહાર નીકળ —
કોઈ બીજાના બંધ દરવાજે
ટકોરો બનીને.
– પરાગ રતનપરા