ચાર લીટી
દીકરીએ સ્લેટ પર
ચાર લીટીઓ તાણી —
બે આમ, બે તેમ.
એણે કહ્યું: ‘ચાલો, ચોકડી-મીંડું રમીએ.’
દાદાએ ચશ્માં ઊંચાં કરીને જોયું
ને ધીમેથી બોલ્યા:
‘જેલના સળિયા પણ આવા જ હતા, બેટા.’
માએ જોયું તો એને
રસોડાની બારી દેખાઈ,
જ્યાંથી વીસ વરસથી
એ એક જ ટુકડો આકાશ જુએ છે.
ને હું?
હું તો એ ચાર લીટીમાં
મારું ઘર શોધતો રહ્યો —
બે ભીંત ઊભી, બે ભીંત આડી,
ને વચ્ચે
એક ખાનું ખાલી.
દીકરીએ એમાં
મીંડું મૂકી દીધું
ને ખડખડાટ હસી:
‘પપ્પા, તમે હારી ગયા!’
– પરાગ રતનપરા