← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માળો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજ ઢળી ને પંખી વળિયાં પોતપોતાને માળે,
હું શહેરની ભીડમાં ઊભો, મારું ગામ મને કોણ ભાળે?

આભ ઉપર ના કેડી તોયે પાંખ ઘરે લઈ આવે,
મારી પાસે નકશા, પાટા, તોય ન ઘર દેખાવે;
ચકલી ચીં-ચીં કરતી પૂછે: ‘તારું ઘર કઈ ડાળે?’
સાંજ ઢળી ને…

માએ મેલ્યો હશે ગોખલે દીવો, ઉંબર આશ,
બાપુ ખાંસી ખાતાં ગણતા હશે ટ્રેનના શ્વાસ;
ભાડું ભેગું કરતાં કરતાં વરસ ગયાં ઉનાળે…
સાંજ ઢળી ને…

પરાગ કહે: પંખીને તો પાંખોમાં સરનામું,
માણસ પાસે સરનામાં સો, તોય નથી ઘર જાણ્યું;
પાંખ મળે તો ઊડી જાઉં, આ જ સાંજ, ઉતાવળે…
સાંજ ઢળી ને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમારા પગેઆગલો લેખ →ચાર લીટી