← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચોકમાં ગાંધી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શહેરના મોટા ચોકમાં
ગાંધીજી ઊભા છે —
પથ્થરના, લાકડી લઈને.

બે ઑક્ટોબરે
એમને હાર પહેરાવાય છે,
ફોટા પડે છે,
ભાષણ થાય છે:
‘સત્ય, અહિંસા, સાદગી…’

ત્રીજી ઑક્ટોબરે
એમના માથા પર
કબૂતર પાછાં આવી જાય છે,
ને પગ પાસે
કોઈ નેતાનું પોસ્ટર ચોંટી જાય છે.

ટ્રાફિકનો ઘોંઘાટ,
હૉર્નની ગાળો,
લાલ બત્તી તોડતી ગાડીઓ —
બધું જ એમની સામેથી પસાર થાય છે.

હું ઘણી વાર વિચારું છું:
એમણે લાકડી કેમ ઊંચી રાખી છે?

કદાચ
આખા શહેરમાં
એ એક જ એવા છે
જે હજી પણ
ઉઘાડા પગે
ટ્રાફિક રોકવાનો પ્રયાસ કરે છે.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખચાર લીટીઆગલો લેખ →પરદેશી પાનખર