પરદેશી પાનખર
અહીં પાનખરે ઝાડ રંગાયાં કેસૂડાને રંગ,
મને સાંભરે ફાગણ મારો, સાંભરે ગામનો સંગ.
લાલ-પીળાં પાંદ ખરે ને પવન ઉડાડે ગુલાલ,
કોઈ નથી અહીં રમનારું, કોણ લગાડે વહાલ?
બરફ પડે તે પહેલાં વૃક્ષો રમી લે હોળી દંગ…
અહીં પાનખરે…
મેપલ પૂછે: ‘કેમ તું ઊભો, આંખ ભરી ભીની ભીની?’
મેં કહ્યું: ‘મારે ગામ લીમડો, આંબો, ડાળી ઝીણી;
તમે ખરો તો ઉત્સવ લાગો, અમે ખરીએ તો તંગ’…
અહીં પાનખરે…
પરાગ કહે: પરદેશે ઝાડવાં પણ પહેરે રંગ,
પણ ધરતીની મ્હેક વિનાનો સૂનો સૂનો ઢંગ;
એક પાંદડું ખિસ્સે મૂકું, લઈ જાઉં માને સંગ…
અહીં પાનખરે…
– પરાગ રતનપરા