← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાંદાની ડોશી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બા કહેતી:
‘જો, ચાંદામાં એક ડોશી બેઠી છે,
રેંટિયો કાંતે છે.’

હું રોજ રાતે અગાશીએ સૂઈને
એ ડોશીને જોતો,
ને મને લાગતું
કે બાની જેમ
એ પણ કોઈની રાહ જુએ છે.

આજે ટીવી પર
ચાંદાના ફોટા આવ્યા —
ખાડા, પથ્થર, ધૂળ,
ને આપણું યાન
ધીમે ધીમે ચાલતું.

ક્યાંય ડોશી નહોતી.

મેં બાને ફોન કર્યો:
‘બા, ચાંદા પર તો કોઈ નથી!’

બા હસી:
‘ગાંડા, તમારું યાન પહોંચ્યું
ત્યારે એ પાણી ભરવા ગઈ હશે.’

વિજ્ઞાન ચાંદા પર પહોંચ્યું,
પણ ડોશી સુધી પહોંચવા
હજી બાની આંખ જોઈએ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપરદેશી પાનખરઆગલો લેખ →મને ભૂખ નથી