← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભેટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એના જન્મદિવસે
મેં એને પૂછ્યું:
‘શું જોઈએ તને?’

એણે કહ્યું:
‘કંઈ નહીં,
બસ, એક દિવસ
તું રસોડામાં જા,
ને હું
છાપું વાંચું.’

મેં હસીને હા પાડી.

દાળમાં મીઠું વધી ગયું,
ભાત ચોંટી ગયો,
રોટલી નકશા જેવી થઈ.

એણે બધું ખાધું,
ને એકેય વાર
‘આમ નહીં, તેમ’ ન કહ્યું.

રાતે સમજાયું —
પચીસ વર્ષથી
એ રોજ
મારી બધી કાચી-પાકી વાતો
આમ જ
ચૂપચાપ ખાતી આવી છે.

એ જ તો
સાચી ભેટ હતી,
જે મેં
આજે પહેલી વાર ખોલી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનથી ડરઆગલો લેખ →જય શિવશંકર