જય શિવશંકર
જટામાં ગંગા, ભાલે ચંદર, ગળે ભોરિંગનો હાર,
ડમરુ વાગે ડમ ડમ ડમ, ને નાચે નટવર ઓંકાર.
ઝેર પીધું તેં જગ કાજે, ને કંઠ થયો તારો નીલ,
અમે તો નાના દુઃખે ય રડીએ, થઈ જઈએ સાવ શિથિલ;
શીખવ અમને, ભોળા, તારી સહેવાની આ ચાલ,
ભસ્મ ચોળી ભોગી બેઠો, તોય તું દાતાર…
જટામાં ગંગા…
સ્મશાનવાસી, કૈલાસવાસી, ના મહેલ, ના મોલ,
પોઠિયો તારું વાહન, ને ભાંગનો ભરિયો કચોળ;
ભોળે ભાવે જે કોઈ પૂજે, એને ખોલે તું દ્વાર…
જટામાં ગંગા…
પરાગ કહે: તાંડવ તારું, સરજન ને સંહાર,
તૂટે તે પાછું ઘડાય, એ જ તારો સાર;
ભીતર મારું ભૂંસી નાખ, ને નવું ઘડ આ વાર…
જટામાં ગંગા…
– પરાગ રતનપરા