બારસાખ
ઉતાવળમાં
મેં બારણું જોરથી વાસ્યું.
બારસાખ પાસે
દીકરીની નાની આંગળીઓ હતી.
એક ચીસ…
પછી શ્વાસ અટકી ગયો,
જાણે આખું ઘર
એક ક્ષણ માટે
રડવાનું ભૂલી ગયું.
મેં એને છાતીએ ચાંપી,
બરફ ઘસ્યો,
ફૂંક મારી,
ને સો વાર કહ્યું: ‘સોરી, બેટા, સોરી.’
આંગળીઓ
બે-ચાર દિવસમાં
સાજી થઈ ગઈ.
પણ આજે
વીસ વરસ પછી પણ
કોઈ બારણું વાસું
ત્યારે
મારો હાથ
અડધે રસ્તે
અટકી જાય છે —
જાણે બારસાખ પાસે
હજી
એક નાની આંગળી
રમતી હોય.
– પરાગ રતનપરા