આવશે
દીકરી પાછી ઘરે લઈને દિવાળી આવશે,
ઘર હસીને બોલશે: લે, આ ખુશાલી આવશે.
ચોટલો વાળી જતી’તી જે નિશાળે, એ જ તે
આજ તો સાડી સજીને એ રુપાળી આવશે.
બાપ ઝાંપે ક્યારનો ઊભો, જુએ છે વાટ, ને —
કોણ જાણે, કઈ અદાથી એ નિરાળી આવશે!
મા કરે છે લાપસી, ને ભાઈ લાવ્યો ફૂલહાર,
ભીંત બોલી: ‘લાડકી સૌથી વહાલી આવશે’.
આ ‘પરાગે’ ફૂલ વેર્યાં ઉંબરે, ને મ્હેકમાં
આરતીની સાથ, ઘરમાં કંકુ-થાળી આવશે.
– પરાગ રતનપરા
#ગઝલ #દીકરી #દિવાળી #પિયર #ઉત્સવ #પરાગરતનપરા
#GujaratiGhazal #DaughterComingHome #Diwali #FamilyReunion #Festival #ParagRatanpara